Sunday, March 2, 2008

FANTASTIC FUJARATI POEM 1

નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારું
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું

ઋતુ ઋતુના ચક્રે ખીલતું, નીત નવું નજરાણું
સાગર ખોળે ગિરીને ટોચે, સર્જન રમે રુપાળું

પ્રસન્ન પુષ્પે ઝૂમે મનડાં, પહેરી પ્રેમ પટોળું
ષટ્રરસ ધારાએ ધરણી ધરતી સૌને સરખું વાળું
આ જગ સૌનું સહીયારું

પુનીત પ્રભાતે ઉષા સંગે, દિવ્ય ચેતના ઓઢું
બ્રહ્માંડના મંગલ આશીષ પામી, નિશદીન હું હરખું

માનવ જન્મ મોંઘેરો મળીયો, આત્મ ચિંતને માણું
સત્સંગના પાવન પ્રેમ પ્રકાશે, અંતર મન અજવાળું
આ જગ સૌનું સહીયારું

નિર્મળ ભક્તિ દૈવિ શક્તિ, સુખ દાતાનું ભરણું
કરુણા અભય વરદાને ઉજવીએ, શાન્તી પર્વ નું ટાણું

આકાશદીપ વદે પ્રેમ દિવડે, કલ્યાણ જ્યોત જગાવું
ખીલવી અવનીએ ભારતીય સંસ્કૃતિ, અમર આશ અજવાળું
નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું

રમેશ પટેલ ‘આકાશદીપ’